Life of Dinkernath
મહા યોગેશ્વરશ્રી દિનકરનાથનું જીવન ઝરમર
પરમ પૂજ્ય ગુરુવર્ય ગુર્જર મહા યોગેશ્વરએ ગૃહસ્થ મહાત્મા હતા. તેઓશ્રી નો જન્મ તા.૬/૧૦/૧૯૦૩ સંવત ૧૯૫૯ના આસો સુદ-૧૫ ને મંગળવારના રોજ મોડાસા મુકામે થયો હતો. તેઓશ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના જારેચા કુળના શુક્લ યજુર્વેદીય તૈતરીય શાખાના વાસિષ્ઠ ગોત્રના હતા. તેઓશ્રીનું પૂર્વાશ્રમનું નામ શ્રી ચુનીલાલ છગનલાલ ઠક્કર હતું. તેઓના પિતાનું નામ છગનલાલ, માતાનું નામ માકોરબા તથા ધર્મપત્નીનું નામ ઈચ્છાબેન હતું. તેઓશ્રીને એક પુત્ર શ્રી ત્રંબકલાલ તથા એક પુત્રી શ્રી પુષ્પાબેન હતા.
તેઓશ્રી એ પ્રાથમિક શીક્ષણ ધોરણ – ૭ (વર્નાકયુલર ફાઈનલ) સુધી મેળવી પ્રાથમિક શાળાના શિક્ષકના વ્યવસાયમાં જોડાયા હતા. પ્રાથમિક શિક્ષક તરીકેનો વ્યવસાય નિયમિતપણે નિષ્ઠાપૂર્વક બજાવેલ હતો.
તેઓશ્રીએ ૨૦ વર્ષની ઉમરે સાધનાની શરૂઆત કરી હતી. તેઓશ્રીએ પોતાના ઘરે જાતે એક ઓરડી સાધના માટે બનાવી હતી. તેમાં ૩ વર્ષ સુધી ચાતુર્માસ કર્યો હતો. તેઓશ્રીની પ્રબળ ઈચ્છા સંન્યાસ લેવાની હતી; આથી તેઓ ધર છોડી સંન્યાસ લેવા હિમાલય-હરિદ્વાર જવા નિકળ્યા, ત્યાં રસ્તામાં શ્રી જયાનંદ સ્વામી નામના સંન્યાસીનો ભેટો થયો. તે સંન્યાસીએ સન્યાસ લેતા પહેલા મા-બાપની રજા લેવી પડે છે, તેવું સમજાવી તેઓને મોડાસા મુકામે ધેર પાછા લઈને આવ્યા. શ્રી દિનકરરાયના ઘરડા મા-બાપને જોઈ તે સંન્યાસીએ તેઓને સન્યાસ લેવાની ના પાડી. મા-બાપની સેવા કરવાનું કહી, સેવા કરશો તો સંન્યાસનું જે ફળ છે તે તમોને ઘેર બેઠા પ્રાપ્ત થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
શ્રી જયાનંદ સ્વામીએ સંન્યાસ માર્ગના દુષણો બતાવી તે તરફ રૂચી ન થાય તેવા પત્રો લખતા. ગૃહસ્થ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે તેવી સમજ આપતા. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી દિનકરરાય એકાંતમાં સાધના કરવા લાગ્યા હતા. તેઓશ્રી વ્યવહારીક કાર્યોમાં તેમજ પરમાર્થના કાર્યોમાં પ્રવૃત રહેતા. પરમાર્થના-શ્રેયના કાર્યો તેમણે મુખ્ય ગણ્યા હતા. તેઓશ્રી અધ્યાત્મવિદ્યા, તત્ત્વવિદ્યા, યોગવિદ્યા, બ્રહ્મવિદ્યામાં લાગેલા રહેતા હતા. આ ચારે વિદ્યાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન-સત્સંગ-શોધન કરવું તે તેમનું મુખ્ય કાર્ય હતું. એવા અભ્યાસયોગમાં તેમણે ૪૦ વર્ષ ગાળ્યા હતા. વ્યવહારના ઘરકામ-નોકરી વગેરે પણ સાથે સાથે તે કરતા. ચાતુર્માસ જંગલમાં એકાંતમાં એકલા રહીને ગાળતા. બીજાનો સંગ કરી વાતોમાં સમય વ્યતીત કરી દેવો તે તેમને ઠીક લાગતું નહીં. જંગલમાં મોડાસા ગામથી દુર ઓધારી માતાની જગ્યાએ મહાદેવની પૂજા, ધ્યાન તથા પોતાની નિદિધ્યાસન પોથીના પાઠો કરતા. જમવાનો પ્રબંધ જંગલમાં રાખતા નહી પણ પોતાને ધેર આવી જમી જતા. આ રીતે જંગલમાં ૧૫ કલાક એકાંતમાં ગાળતા. રાત્રીએ ૫ કલાક નિંદ્રા લેતા, બાકીના દસ કલાક પ્રભુ પ્રીતિ અર્થે ગાળતા. ચાતુર્માસ સિવાય બાકીના આઠ માસ શાંતિથી ધેર બેસી રહેતા નહી, પણ સદ્ ગ્રંથોનું વાચન-શ્રવણ-મનન-નિદિધ્યાસન કરતા તથા તેના સાર રૂપે કંઈને કંઈ લખતા. કોઈ કોઈ વખત રાત્રીઓની રાત્રી ઉજાગરા કરતા, સવાર થઈ જતું. આ પ્રમાણે જીવનભરનું તપ હતું. તેઓશ્રીનો ચાતુર્માસનો સમય કુલ ૨૭ વર્ષનો (સને ૧૯૨૩ થી ૧૯૫૦નો) હતો.
મહાયોગેશ્વર શ્રી દિનકરનાથે હિંદુ સિવાય ઇસ્લામ, બોદ્ધ, જૈન, ખ્રીસ્તી, પારસી વગેરે ધર્મોની ભેદી મર્મની વાતો કરતા હતા. તેમાં રહેલા રહસ્યોની વાતો સંભળાવતા હતા. કોઈ પણ ધર્મના ખંડનની વાત તેઓ કરતા નહી. દરેક ધર્મમાં વિભિન્નરૂપે રહેલી તત્ત્વ વસ્તુની એકતા કરાવતા. તેઓ કહેતા કે દરેક ધર્મમાં એક જ સનાતન તત્ત્વ રહેલું છે, તેનો જ સાક્ષાત્કાર દરેકે કરવાનો છે. દરેક નો પરમાત્મા એક જ છે. જુદા જુદા ઈશ્વર કે પરમાત્મા નથી. દરેક મનુષ્યનું શરીર લાલ લોહી અને સફેદ વીર્યરૂપ બીજથી બનેલું છે. વળી દરેકની કાયા પંચભૂતની બનેલી છે. શ્વાસનો પ્રાણવાયુ દરેકનો એક જાતનો છે. શરીરમાં રહેલી તાકાત-શક્તિ દરેકની એક જ જાતની છે. જે વડે વનસ્પતિ, પ્રાણીઓ અને માનવો હરી ફરી શકે છે અને વિકાસવાળા બને છે. એ રીતે પંચભૂત, છઠો પ્રાણ, સાતમી શક્તિ અને આઠમું પરમતત્વ એ આઠ વડે જીવોની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય એ કોઈ પણ એક જ સતાધારીના હાથમાં છે, તેને જ પરમાત્મા કહેવામાં આવે છે. વળી આત્મસાક્ષાત્કાર દરેક ધર્મવાળાના જુદા જુદા નથી, કારણ કે જે જે ધર્મવાળાઓએ સાક્ષાત્કાર કર્યો છે, તે તે ધર્મવાળાઓને ફળમાં – પરિણામમાં સુલભ – કુંડલિની યોગ દ્વારા ડીવાઈન પાવર દ્વારા એક જ જાતનું જ્ઞાન, એક જ જાતની શક્તિ, એક જ જાતનું ઐશ્વર્ય, એક જ જાતની સિદ્ધિઓ મળેલી છે. તેમાં કોઈ જ જાતનો ફેરફાર જણાતો નથી. તે પરથી માલુમ પડશે કે સાક્ષાત્કાર દરેક ધર્મવાળાઓને એક જ કોટિનો થાય છે, બીજી કોટિ તેમાં હોતી નથી.
વળી તે કહેતા કે સદ્ ગ્રંથોનું સેવન તથા શ્રવણ-મનન-નિદિધ્યાસન કરવું જોઈએ, સત્સંગ અને શોધનમાં દિવસો નિર્ગમન કરવા જોઈએ. અભ્યાસયોગમાં લાગેલા રહેવું જોઈએ. જન્મથી મરણ સુધી અને જાગ્યાથી ઊંગ્યા સુધી, તેમાં જ મનને પરોવાયેલું રાખવું જોઈએ. એમ કરીને શરીરમાં રહેલી ચેતના – ચૈતન્ય શક્તિને જગાડી મુકવી જોઈએ. શરીરમાંના આઠ તત્વોનું પ્રકટીકરણ કરવું જોઈએ. એ રીતે જીવનને વહેવડાવવું જોઈએ. સંસાર વ્યવહારના કાર્યોમાં દિવસ ગુમાવી દેવો અને રાત્રી ઊંઘમાં પસાર કરી નાખી એ રીતે જીવનને વહેવડાવી દેવું એ ઠીક નથી. એમ કરવાથી ઉત્તમગતિના સુખોની પ્રાપ્તિ થાય નહી અને જન્મે જન્મે સંસાર ચક્રના દુઃખો સતાવ્યા કરે એવી અધમ સ્થિતિ ભોગવવી પડે એ યોગ્ય નથી. તેથી મનુષ્યે માનવ દેહ મેળવી તેનો સદઉપયોગ કરવો જોઈએ. કારણકે માનવ દેહ દેવોને પણ દુર્લભ છે. માનવ દેહ મળવાનું કારણ એ હોય છે કે તેની અંદર તાત્વિક દ્રષ્ટીએ એવું એક તત્ત્વ પડેલું છે જે માનવને પરમગતિએ લઇ જાય છે.
શ્રી દિનકરરાય સત્કર્મો કરવાનું, દેવની – ગુરુની ઉપાસના ભક્તિ કરવાનું કહેતા. આધ્યાત્મિક જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી, આધ્યાત્મિક જીવન જીવવાનું કહેતા. તેઓશ્રી કહેતા કે કુંડલીની યોગ દ્વારા તત્ત્વજ્ઞાન-યોગિક જ્ઞાન પ્રાપ્ત કરો તો તમે જન્મ-મરણ રહિત થશો. અને જો કદાચ જન્મ થાય તો દેવલોકમાં દેવ કે મનુષ્ય લોકમાં રાજા થશો કે ધનવાન શ્રીમંત ગૃહસ્થને ત્યાં કે યોગીને ત્યાં જન્મ ધારણ કરી શકશો. જેથી તમારો આગળનો માર્ગ સુગમ થશે.
તેઓશ્રીએ યોગની છેલ્લી પદવી મેળવી તત્ત્વદર્શી મહા યોગેશ્વર દિનકરનાથ કહેવાયા. તેઓશ્રી ખેડા જીલ્લાના કપડવણજ મુકામે એક બ્રાહ્મણ પરિવારના ધેર તા. ૧૫/૦૪/૧૯૬૩ના રોજ બ્રહ્મલીન થયા હતા.
તત્ત્વદર્શી મહાયોગેશ્વર શ્રી દિનકરનાથે રચેલા ૧૫ ગ્રંથો જ્ઞાન-વિજ્ઞાન મંડળ, મોડાસાએ પ્રસિદ્ધ કરી ગુજરાતની જનતાને અધ્યાત્મ વારસો મળી રહે તે હેતુથી શ્રી દિનકરનાથનું ઋણ અદા કર્યું છે. આ જ્ઞાન-વિજ્ઞાન મંડળ હાલમાં તેઓશ્રીએ ચીંધેલા માર્ગે કાર્યરત છે.